નવસર્જન

ચાંદની લો ખીલી આજ આકાશમાં,
માનસે ઉઠતી લ્હેરખી ’કામ’ની.

વાયરો રેશમી સ્પર્શતો વ્હાલથી,
ઝંખના જાગતી પ્રીયની બાથની.

સ્પંદનો ફોરતાં રોમરોમે મહા,
મ્હાલતું દીલડું સાકીના સાથમાં.

પુશ્પધન્વા ગ્રહી બાણ સો ફેંકતો,
ચન્દ્ર તો ભાસતો દેવતા પ્રેમનો.

જાગતાં નર્તનો અંગ પ્રત્યંગમાં,
અંગથી અંગ ભીડી સુતાં પ્રેમીઓ.

નંદમાં મત્ત થૈ મ્હાલતો સાહ્યબો,
પ્રેયસી ઝીલતી સીકરો સામટી.

જીવના બે અણુ ચીપક્યા વ્હાલમાં,
એક થૈ પાંગર્યો બાળ અંકુર કો’.

વાદળી કો’ સરી ચન્દ્રને આવરી,
થાક ઉતારવા ચાંદની યે સુતી.

પોંખવા આમ આ કો’ નવા જીવને,
નંદમાં નાચતો ‘તુ’ રહ્યો શામળા !

– સુરેશ જાની

આ કાવ્ય સુરેશ જાનીના બ્લોગ કાવ્યસૂર પરથી લીધું છે.

Advertisements

બે હબસણો

બે હબસણો પવન ઓઢી ન્હાઇ
સ્તન ચોળે, પેડુ ઘસે
સાબુ કાળો થાય.
નિતંબ પર ખંજન પડયા
ને’ તેમાં ચપટીક જળ
જળને તગતગ તાક્તાં આખા નભમાં તગ
તે વાત એમ કે પગને જવું’તુ કાશીએ
પણ તેને ચાલવા ન દીધા કપાસીએ
સદરહુ શેરની હત્યાનો મામલો છે, રમેશ
આમ પ્રાસને લટકાવ્યો, આમ ફાંસીએ
જે ગુલમહોરની વાર્તા પુરી ને કરી
આ એનો અંત કહી દીધો મને ઉદાસીએ
નેહા, કાલે ઉઘમાં પલાળી ગયા હતા સપનાઓ
જુઓ ને સુકવ્યા છે આજની અગાસીએ

– શોભિત દેસાઇ

એકલતા નામે એક સ્ત્રી

તમે શા માટે પ્રવાસ કર્યો’તો?
કારણ કે ઘર ઠંડું હતું
શા માટે તમે પ્રવાસ કર્યો’તો?
કારણ કે હંમેશાં સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે
હું આમ જ કરતો રહ્યો છું
તમે શું પહેર્યું’તું?
ભૂરો સૂટ, સફેદ ખમીસ, પીળી ટાઈ અને પીળાં મોજાં
તમે શું પહેર્યું’તું?
કશું જ નહીં. વેદનાનું એક મફલર મને હૂંક આપતું હતું
તમે કોની સાથે સૂતા’તા?
દરેક રાતે જુદી જુદી સ્ત્રી સાથે
તમે કોની સાથે સૂતા’તા?
હું એકલો સૂતો’તો
હું હંમેશાં એકલો સૂતો’તો

–  માર્ક સ્ટ્રેન્ડ

સુરેશ દલાલની કલમે આ કાવ્યનો આસ્વાદ દિવ્ય ભાસ્કરમાં વાંચી શકાશે.

અહાહાહા અહોહોહો

અહાહાહા અહોહોહો

ન’તા નવદ્વિપ નવખંડા અહાહાહા અહોહોહો.
ન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહો.
તમસપુંજો ઘુમરત ગર્ભના નભમાં નિરાલંબે
ન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહો.
હતો એક જ પુરુષ કે જેનો પડછાયો ન’તો પડતો
રચ્યાં તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહો.
મરુથલ બીજ રોપ્યાં તે ઘડીભરમાં તો ઘનઘોર
ઊગ્યાં મેરું તણા દંડા અહાહાહા અહોહોહો.
વળી, મનના ફૂંક્યા મંતર લઇ પાણીના પરપોટા,
ભભૂક્યાં કૈંક બ્રહ્માંડા અહાહાહા અહોહોહો.
અલલપંખીના પીંછાથી ફરિશ્તા ચીતરી બેઠા,
અહો બારીક એ બંદા અહાહાહા અહોહોહો.
અવળવાણીય સમજત પણ ઇશારતમાં તે શું સમજું.
હતા મુરશિદ અવળચંડા અહાહાહા અહોહોહો.
અહીં ઘર માંડતા પ્હેલાં જડે ખંડેરના નકશા
ઘડી રમણી ઘડી રંડા અહાહાહા અહોહોહો.
જડે જંઘા, પલંગામાં જડે સ્તન ને પુરુષાતન,
પડે પેટાળે પડછંદા અહાહાહા અહોહોહો.
તું ભડ છે તો કમળતંતુથી પ્હેલો ઘા કરી લેજે
ને ફોડી નાખજે ભંડા અહાહાહા અહોહોહો.
પ્રજળતા સૂર્ય ઠારી બુંદ ઝાકળ તુર્યને બાઝ્યાં,
પડ્યા શાગિર્દ પણ ઠંડા અહાહાહા અહોહોહો.
શ્ર્વસે તે નિજવ્યથા વચ્ચે વસે-એ સત્ય પર વસવા
વસાવી નગરી આણંદા અહાહાહા અહોહોહો.
– હરીશ મીનાશ્રુ

એક વેશ્યાની ગઝલ

એક વેશ્યાની ગઝલ

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

– ડૉ. વિવેક મનહર ટેલર

આ ગઝલ ડો. વિવેક ટેલરના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા ઉપરથી પુન:પ્રકાશિત કરી છે.  વિચિત્ર કાવ્યો બ્લોગને અનુરૂપ આ ગઝલ શોધી આપવા માટે શ્રી વિનય ખત્રીનો આભાર.

ગોમંડળને પાય લાગીને

ગોમંડળને પાય લાગીને

સાધુબાવા મંદિર ભીતર ઝટિયા ખેંચે
ચોર ઉચક્કા બહાર સૌના જૂતિયા ખેંચે.

ઘાલમેલનો ઘડોલાડવો ઘટિયા ખેંચે
સજ્જન તો ભઈ ! ગલેફ ઢાંક્યા તકિયા ખેંચે.

બિહામણા એક સપનાનાં આ નસકોરાઓ
ભોર લગી હર ખર્રાટા પર ખટિયા ખેંચે.

જીવ-શિવનો દ્વંદ્વ સતત એ રીતે પ્રગટે,
કૂતરાને અવળી વળગેલી કુતિયા ખેંચે.

ચોડી ચુપડી વાણીનો જ્યાં કેફ ઓગળે
ધૂળ ઢેફામાંથીયે રસકસ રસિયા ખેંચે.

ગોમંડળને પાય લાગીને પ્રાસ લઉં છું
ભગવતસિંહજી, ભવાં ભલે સહુ *** ખેંચે.

– વી.કે.